Monday, October 26, 2020

રુદ્રાક્ષ: ભક્તો પર શિવજીની અસીમ કૃપા

 

રુદ્રાક્ષ: ભક્તો પર શિવજીની અસીમ કૃપા

આચમન - દર્શના



રુદ્રાક્ષને હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો તેને યોગ્ય રીતે ધારણ કરવામાં આવે તો જીવનમાં સકારાત્મકતા લાવવામાં નિમિત્ત પણ બને છે. શારીરિક લાભ આપવાની સાથે સાથે રુદ્રાક્ષ માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે અને ભોલેનાથના ભક્તો તો રુદ્રાક્ષને તેમની કૃપાદૃષ્ટિ જ માને છે. આ પાછળની દંતકથા કંઈક એવી છે કે એક વખત મહાદેવજી તેમના ભક્તોના કલ્યાણ માટે ધ્યાન ધરી રહ્યા હતા એ વખતે તેમના ભક્તોના દુ:ખ જોઈને તેમની આંખમાંથી આંસુ સરી પડયાં. બસ મહાદેવજીનાં આંસુનું જ એક અંશ છે રુદ્રાક્ષ.

રુદ્રાક્ષનો મણકો થ્રેડેડ અને માળામાં પહેરવામાં આવે છે. ફક્ત તપસ્વી જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ આ માળા પહેરી શકે છે. આ માળા નકારાત્મક ઊર્જાથી સુરક્ષિત રાખે છે. એટલું જ નહીં પણ તેનો ઉપયોગ પવિત્ર મંત્રનો જાપ કરવા માટે પણ થાય છે. ચાલો હવે વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે રુદ્રાક્ષના કેટલા પ્રકાર છે અને તેની શું શું ખાસિયતો છે.

રુદ્રાક્ષના પ્રકાર

રુદ્રાક્ષના ઘણા પ્રકારો છે. તેને એક મુખી, બે મુખી, ત્રણ મુખી વગેરે જેવા તેમના ચહેરાના આધારે અલગ અલગ નામ આપવામાં આવ્યાં છે. દરેકનું પોતાનું અલગ અલગ મહત્ત્વ છે.

એક મુખી: એક મુખી રુદ્રાક્ષને બધા જ રુદ્રાક્ષમાં સૌથી ચમત્કારિક માનવામાં આવે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી શક્તિ અને ખુશી બંને મળે છે, એટલું જ નહીં પણ એેકાગ્રતા વધારવામાં કે સુધારવામાં પણ આ રુદ્રાક્ષ મહત્ત્વનો ભાગ ભજવે છે.

બે મુખી: બે મુખી રુદ્રાક્ષને માતા પાર્વતી અને શિવજીનું રૂપ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તે માનસિક શાંતિ પ્રદાન કરે છે અને તેની સાથે સાથે જ ઇચ્છિત ફળ આપનાર પણ છેે. આ સિવાય આ રુદ્રાક્ષ પહેરેલી વ્યક્તિનો સંબંધ તેના ગુરુ, માતાપિતા, મિત્ર અથવા જીવનસાથી સાથે ખૂબ સારો હોય છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાને કારણે જીવનમાં પ્રેમ અને શાંતિનું સંતુલન પણ જળવાઈ રહે છે.

ત્રણ મુખી: આ રુદ્રાક્ષને ત્રિદેવ સ્વરૂપ માનવામાં આવે છે જે સિદ્ધિ અપાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં, આ રુદ્રાક્ષ આત્મવિશ્ર્વાસ વધારે છે અને પાપોથી મુક્તિ આપે છે.

ચાર મુખી: આ રુદ્રાક્ષને બ્રહ્મરૂપ કહે છે. તે ચતુર્ભુજ ફળ પ્રદાન કરે છે. વળી, તેને પહેરવાથી સર્જનાત્મકતા અને બુદ્ધિ પણ વધે છે. આ સિવાય તેને પહેરનાર વ્યક્તિની યાદશક્તિ પણ સારી રહે છે.

પંચ મુખી: આને પંચમુખ શિવ સ્વરૂપ કહેવામાં આવે છે જેનો ઉપયોગ બધાં પાપોનો નાશ કરવા માટે થાય છે. બ્લડપ્રેશરથી પીડિત લોકો માટે તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેની અસરને કારણે, મનુષ્યનું આરોગ્ય સારું રહે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

છ મુખી: તે ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ માનવામાં આવે છે. તે તમામ પ્રકારની દુષ્ટતાનો અંત લાવે છે. તે માણસનાં તમામ દુખોને દૂર કરે છે અને તે રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત કરે છે.

સાત મુખી: સાત મુખી રુદ્રાક્ષને અનંત કહેવામાં આવે છે, જે માણસના જીવનમાંથી તમામ પ્રકારનાં દુ:ખ અને ગરીબીને દૂર કરે છે. જેઓ શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમના માટે આ રુદ્રાક્ષને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

આઠ મુખી: તેને અષ્ટમૂર્તિ ભૈરવરૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી માણસનાં બધાં દુ:ખ દૂર થાય છે અને તે પોતાના શત્રુઓને પરાજિત કરે છે. આ સિવાય જીવનમાં શાંતિ લાવવામાં પણ આ રુદ્રાક્ષ મદદ કરે છે.

નવ મુખી: આ રુદ્રાક્ષ માણસને સર્વેશ્ર્વરા બનાવે છે અને તેને ધારણ કરવાથી માણસને માત્ર શિવની કૃપા જ નહીં, પરંતુ શક્તિ પણ મળે છે.

દસ મુખી: વિષ્ણુજી આ રુદ્રાક્ષમાં નિવાસ કરે છે. તેને પહેરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. તે જ સમયે બધાં પાપોનો નાશ થાય છે.

અગિયાર મુખી: આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને સફળતા અને વિજય મળે છે. તે માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે.

બાર મુખી: તેને પહેરવાથી વ્યક્તિની પ્રસિદ્ધિ અને ખ્યાતિ સૂર્યની જેમ વધે છે.

તેર મુખી: આ રુદ્રાક્ષને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે અને તેને શુભ રુદ્રાક્ષ માનવામાં આવે છે. તેને પહેરવાથી સન્માન વધે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ચૌદ મુખી: આને અંતિમ શિવ સ્વરૂપ માનવામાં આવે છે, તેને પહેરવાથી શાંતિ અને સર્વ પાપોથી મુક્તિ મળે છે.

પંદર મુખી: આ રુદ્રાક્ષમાં ભગવાન પશુપતિનો વાસ છે. તેને પહેરવાથી સ્વાસ્થ્ય લાભ થવાની સાથે નાણાકીય સમસ્યાઓ પણ દૂર થાય છે.

સોળ મુખી: કોઈપણ ઘરમાં આ રુદ્રાક્ષ હોય તે ઘર હંમેશાં ચોરી, લૂંટ અને અગ્નિ જેવી ચીજોથી સુરક્ષિત રહે છે.

સત્તર મુખી: આ પ્રકારનો રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન વિશ્ર્વકર્માના આશીર્વાદ મળે છે. વળી, માણસને ક્યારેય કોઈ આર્થિક સમસ્યા નડતી નથી.

અઢાર મુખી: આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સગર્ભા સ્ત્રીઓ માટે તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ઓગણીસ મુખી: તેને પહેરવાથી મનુષ્યનાં તમામ દુ:ખો દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.

વીસ મુખી: આ રુદ્રાક્ષ પહેરવાથી શિવજીના આશીર્વાદ મળે છે અને માણસની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલું જ નહીં પણ એવું માનવામાં આવે છે કે આ રુદ્રાક્ષ મુક્તિ તરફ દોરી જાય છે.

એકવીસ મુખી: એવું કહેવામાં આવે છે કે આ રુદ્રાક્ષમાં તમામ દેવી-દેવતાઓનો વાસ છે. તેને પહેરવાથી ભગવાનના આશીર્વાદ તો મળે છે, સાથે સાથે બધી સુખ-સુવિધાઓ પણ મળે છે.



No comments:

Post a Comment